10 રાજ્ય, બે કેન્દ્રશાસિત પ્રદેશ અને 65 લાખ લાભાર્થીઃ જાણો શું છે કેન્દ્રની સ્વામિત્વ યોજના

- ગુજરાતમાં પણ 20 જિલ્લાના 415 ગામોમાં ૬૪,૦૨૯ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
નવી દિલ્હી/ ગાંધીનગર, 18 જાન્યુઆરી, 2025: કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી સ્વામિત્વ યોજના હેઠળ આજે 18 જાન્યુઆરીને શનિવારે 10 રાજ્ય તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશના 65 લાખ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230 થી વધુ જિલ્લાઓમાં 50000થી વધુ ગામડાઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કર્યું. આ પ્રસંગને સંબોધતા, તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ભારતનાં ગામડાં અને ગ્રામીણ વિસ્તારો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે અને આ પ્રસંગે તમામ લાભાર્થીઓ અને નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
સ્વમિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સ વિતરણના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સહભાગી થયા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને તેમના પ્રોપર્ટી કાર્ડ મળે તે સુનિશ્ચિત કરવા માટે SVAMITVA યોજના શરૂ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે વિવિધ રાજ્યો મિલકત માલિકી પ્રમાણપત્રોને વિવિધ નામોથી સંદર્ભિત કરે છે, જેમ કે ઘરોની, અધિકાર અભિલેખ, પ્રોપર્ટી કાર્ડ, માલમત્તા પત્રક અને આવાસિયા ભૂમિ પટ્ટા. “છેલ્લા 5 વર્ષમાં 1.5 કરોડથી વધુ લોકોને SVAMITVA કાર્ડ આપવામાં આવ્યા છે”. તેમણે માહિતી આપી કે 65 લાખથી વધુ પરિવારોને આ કાર્ડ મળ્યા છે. વડા પ્રધાને ટિપ્પણી કરી હતી કે સ્વામિત્વ યોજના હેઠળ, ગામડાઓમાં લગભગ 2.25 કરોડ લોકોને હવે તેમના ઘર માટે કાનૂની દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. તેમણે તમામ લાભાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
“અમારી સરકાર જમીન પર ગ્રામ સ્વરાજનો અમલ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે”, તેમ જણાવી વડાપ્રધાને કહ્યું કે સ્વામિત્વ યોજનાએ ગ્રામ વિકાસ આયોજન અને અમલીકરણમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. હવે સ્પષ્ટ નકશા અને વસ્તીવાળા વિસ્તારોના જ્ઞાન સાથે, વિકાસ કાર્યનું આયોજન ચોક્કસ હશે, નબળા આયોજનને કારણે થતા બગાડ અને અવરોધોને દૂર કરશે.
મહિલા સશક્તિકરણની વાત કરતાં વડાપ્રધાને માહિતી આપી કે, બેંક સખી અને બીમા સખી જેવી પહેલ દ્વારા ગામડાઓમાં મહિલાઓ માટે નવી તકો પૂરી પાડી છે. લખપતિ દીદી યોજનાએ 1.25 કરોડથી વધુ મહિલાઓને લાખપતિ બનાવી છે. સ્વામિત્વ યોજનાએ મહિલાઓના મિલકત અધિકારોને મજબૂત બનાવ્યા છે, જેમાં ઘણાં રાજ્યોમાં તેમના પતિની સાથે પ્રોપર્ટી કાર્ડ પર પત્નીઓનાં નામ પણ સામેલ છે. વડાપ્રધાને નોંધ્યું હતું કે પીએમ આવાસ યોજના હેઠળ, ગરીબોને આપવામાં આવેલા મોટાભાગનાં મકાનો મહિલાઓનાં નામે નોંધાયેલા છે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભારતના ગ્રામીણ લોકોના જીવન સ્તરમાં બદલાવ લાવવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાને સમગ્ર ભારત વર્ષને પરિવારના રૂપમાં આગળ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનાં સંબોધનમાં કહ્યું કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે. ગામડાઓમાં ખાસ જમીન મિલકતના વિવાદો અને ઝઘડાઓથી સમરસતાનું વાતાવરણ અત્યાર સુધી ડહોળાતું હતું, ત્યારે દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આપી છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીપલ સેન્ટ્રીક અભિગમ થકી પાછલાં ૧૦ વર્ષોમાં ગરીબ, વંચિત અને છેવાડાનાં માનવીઓનાં કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતિ ડૉ. જયંતી રવિએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સ્વામિત્વ યોજના એ નાગરિકોને પોતાના ઘરના ઘરની લાગણીની અનુભૂતિ કરાવતી યોજના છે. આ યોજના અંતર્ગત અપાતાં પ્રોપર્ટી કાર્ડ ગામતળ સહિતનાં સ્થળોએ રહેતા લોકોને પોતાનાં ઘરની માલિકીનો આધાર અને માથે છતની સલામતી આપે છે. ડ્રોન દ્વારા ચોકસાઈપૂર્વક મિલકતોની માપણી કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્ડના ઘણા લાભો નાગરિકોને મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધપાત્ર છે કે, ગુજરાતના ૩૩ જિલ્લાના કુલ ૧૩,૮૩૧ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે પૈકી ૭૧૮૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી ૧૨,૨૩,૪૫૧ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
સ્વામિત્વ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાસંદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેર અને જિલ્લાના સર્વે ધારાસભ્યો, સેટલમેન્ટ કમિશનર જેનુ દેવન, વિકાસ કમિશનર હિતેશ કોયા, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, સ્થાનિક આગેવાનો, અમદાવાદ શહેર અને જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ યોજાયો
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD