ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની ૩૬ ટકા યુવા વસ્તી રાજ્યના વિકાસ માટે મહત્ત્વની શક્તિઃ કુંવરજી બાવળિયા

ગાંધીનગર, તા. 6 માર્ચ, 2025: વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ત્રીજા અને અંતિમ દિવસની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GYAN એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ અમારું લક્ષ્ય છે. ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊર્જા પ્રદાન કરી વધુ વેગવાન બનાવવા અને વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણના ધ્યેય સાથે રાજ્યના સર્વાંગીણ વિકાસનો આલેખ રજૂ કરતું ૨૦૨૫નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની ૩૬ ટકા યુવા વસ્તી રાજ્યનાં વિકાસ માટે મહત્વની શક્તિ છે.

તેમણે કહ્યું હતું કે, વિકાસના પાંચ સ્તંભ એવા સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને વરેલું રૂ.૩.૭૦ લાખ કરોડનું રાજ્યનાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ ગુજરાતના વિકાસવૈભવને નવી ઊંચાઈએ પ્રસ્થાપિત કરશે. વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતનાં ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત-૨૦૪૭ નો રોડમેપ તૈયાર કર્યો છે.

કુંવરજીભાઈએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, આ બજેટમાં ગરીબો માટે ૩ લાખ થી વધારે આવાસો પુરા પાડવાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી પૈષ્ટિક અલ્પાહાર યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, બેંકેબલ યોજના, વનબંધુ કલ્યાણ-૨ વગેરે જેવી યોજના માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. યુવાશક્તિને નવી તક અને નવી ઉડાન માટે અમારી સરકારે ચિંતા કરી છે. ગુજરાતની ૩૬ ટકા વસ્તી યુવા છે, જે રાજ્યનાં વિકાસ માટે મહત્વની શક્તિ છે. યુવાનો માટે શિક્ષણ, રોજગારી અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને તેમનાં સ્વપ્નોને ઉંચી ઉડાન આપવી એ અમારી સરકારનું પ્રાથમિક લક્ષ્ય છે. યુવાઓને શિક્ષણ માટે વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ, આધુનિક ઉદ્યોગની જરૂરીયાત મુજબ તાલીમ આપવા આઈ.ટી.આઈ. સંસ્થાઓનું અપગ્રેડેશન, આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ લેબોરેટરીની સ્થાપના, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ સુવિધાઓ વાળા સ્પોર્ટસ એન્ક્લેવ અને કોમ્પલેક્ષ, આઈ-હબની સ્થાપના, કુટીર ઉદ્યોગ માટે વાજપાઈ બેંકેબલ યોજના માટે લોન અને સબસીડી વગેરે માટે અમારી સરકાર દ્વારા માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે જન સામાન્યની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સુશાસનની જે આગવી કેડી કંડારી છે તેનાથી, ગુજરાત દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. પાછલા બે દાયકાથી પણ વધારે સમયની રાજ્યની વિકાસયાત્રાએ ગુજરાતને દેશનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યું છે. ગુજરાત જન-કલ્યાણકારી સેવાઓના પ્રદાનમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત અનેકવિધ ક્ષેત્રોમાં દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય. માનવ વિકાસ-જન સુખાકારીના તમામ પાસાંઓમાં ગુજરાત અન્ય રાજ્યોને રાહ ચીંધી શકે તેટલું સક્ષમ અને આદર્શ રાજ્ય બન્યું છે. ગુજરાતને છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી ‘ડબલ એન્જિન’ ની સરકારનો લાભ મળી રહ્યો છે. નાના-મોટા દરેક વર્ગની દરકાર લઇ ગુજરાત સરકાર સૌના ઉત્કર્ષ અને આર્થિક-સામાજિક ઉન્નતિ માટે કાર્યરત  છે.
મંત્રીએ કહ્યું હતું કે, અમારી સરકારે વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્યની પંચશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્ય સરકારનાં પંચામૃત વિકાસકામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે. પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે.  સાથે સાથે દરેક ક્ષેત્રમાં છેવાડાના માનવીની ચિંતા કરી છે અને તે અંગે પગલાં લીધા છે. વિકાસ કામોના પરિણામ સ્વરૂપે તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં અમારા પક્ષને મતદારોએ સત્તાનું સુકાન સોંપ્યું છે.
મંત્રી કુંવરજીએ કહ્યું હતું કે, રાજ્યની જનતાએ વિકાસલક્ષી કામો કરતી અમારી સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” થકી આજે ગુજરાતની વિકાસયાત્રા ઊંચા શિખર પર પહોંચી છે જે સૌ ગુજરાતીઓના પરિશ્રમને આભારી છે.
Back to top button