અમદાવાદઃ ગુજરાતીઓ ચેતજો; કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે કંબોડિયાનાં અજાણ્યા ઇસમો; સાયબર આતંકની મોડસ ઓપરેન્ડી વિશે જાણો
14 ડિસેમ્બર અમદાવાદ: સમગ્ર ભારતમાં હાલ કંબોડિયા દેશથી ઓનલાઇન મારફતે કરોડોની છેતરપીડી થયા હોવાની અધધ ફરિયાદો પોલીસને મળી રહી છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી ગુજરાતીઓને શિકાર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે એક નવી મોડસ ઓપરેન્ડીથી અમદાવાદની અલગ અલગ બે કંપનીનાં એકાઉન્ટન્ટ પાસેથી કુલ 2 કરોડ 80 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. જે અંગે તપાસનો ધમધમાટમાં શરૂ થયો છે. જે અંગે સાઇબર ACP હાર્દિક માંકડીયા અમદાવાદીઓને સતર્ક રહેવાનો મેસેજ આપ્યો છે. તો આવો આ નવી મોડલ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કેવી રીતે શિકાર કરવામાં આવે છે જાણીએ!
2 કરોડ 80 લાખ ખંખેર્યા; થઈ જજો સતર્ક
જો તમે પણ અમદાવાદમાં રહેતા હોવ અને વ્યાપાર સાથે જોડાયેલા હોવ તો થઈ જાઓ સતર્ક નહિતર બની જશો કંબોડિયાનાં સાઇબર આતંકનો ભોગ! કારણ કે અહીંયાથી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા ખાતાઓનું બેલેન્સ જાણીને કરોડો રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે! આવી જ રીતે છેલ્લા બે મહિનામાં બે અમદાવાદીઓ પાસેથી 2 કરોડ 80 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી છે. જેની ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ છે. પોલીસ માટે પણ આ કિસ્સાઓ ચેલેંજીંગ સાબિત થઈ રહ્યા છે જેને લઈને ગુજરાતીઓ માટે આ મોડેસ ઓપરેન્ડી વિશે જાણકારી મેળવવી ફરજીયાત બને છે.
કંપનીના માલિકો, એકાઉન્ટન્ટ ચેતજો નહિતર થશે શિકાર
27 નવેમ્બર 2024માં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરની વેલ્થ ફર્સ્ટ પોર્ટફોલિયો મેનેજર લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મનીષ ધીરજલાલ કંસારાને સાંજે આશરે 7: 55 એ ઘરે પહોંચતા વોટ્સેપ નંબર 9007090684 પરથી મિસ કોલ આવે છે અને મેસેજ કરે છે. જેમાં whatsapp નંબરના ડીપી ઉપર કંપનીના માલિક આશિષભાઈ નવનીતલાલ શાહનો ફોટો મુકવામાં આવ્યો હોય છે. અને ઔપચારિક વાતો થાય છે જેમાં જણાવવામાં આવે છે કે મારો આ કામ કરવાનો whatsapp નંબર છે સેવ કરી લો. અને બીજા દિવસે સવારે ઓફિસમાં પહોંચતા મેસેજ આવે છે કે તમે ઓફિસમાં છો? ત્યારે એકાઉન્ટન્ટ દ્વારા yasનો મેસેજ કરવામાં આવે છે. જે બાદ તેને પૂછવામાં આવે છે કે કંપનીના ખાતામાં કેટલું બેલેન્સ પડ્યું છે? ત્યારે જણાવે છે કે 18 કરોડ બેલેન્સ છે. જે બાદ કંબોડિયા દેશનો આ ઇસમ જણાવે છે કે મને કોઈ નવો પ્રોજેક્ટ અંતર્ગત એડવાન્સ પેમેન્ટની જરૂર છે તેથી 1 કરોડ 98 લાખ ચૂકવવાના છે. અને ફરિયાદી એકાઉન્ટન્ટને ICICI બેંક સુંદરનગર બ્રાન્ચની ગગન હોસ્પિટલનાં નામનું એકાઉન્ટ નંબર અને તમામ વિગતો મોકલે છે. જે બાદ આ રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી કંપનીને અને તેના એકાઉન્ટન્ટને સાયબર ક્રાઇમનો ભોગ બનાવવામાં આવે છે. આવી જ રીતે વધુ એક ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે જેમાં 7459833713 નંબરથી વૉટ્સઅપ મારફતે 80 લાખની છેતરપિંડી આંચરવામાં આવી છે.
કંબોડિયા માટે એકાઉન્ટ ખોલાવી આપનારા પર નજર
સાઇબર ક્રાઇમ ACP હાર્દિક માંકડીયા આ અંગે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવે છે કે ઓનલાઇન છેતરપિંડી કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમાં મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અગાઉ પણ અમદાવાદના આવા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓ માત્ર માતબર કમિશન મેળવવા માટે શહેર અને રાજ્યની સ્થાનિક બેન્કોમાં આવા એકાઉન્ટો ખોલાવી કંબોડિયા દેશ સાયબર આરોપીઓને મદદ કરી રહ્યા છે. જોકે હાલ સાઇબર ક્રાઇમ એક ઝડપથી વિકસિત થતો ક્રાઈમ છે સરકાર અને પોલીસ દ્વારા આ ક્રાઈમ રેટ ઘટાડવા માટે ખૂબ ઝડપથી પ્રયત્નો અને આધુનિક ટેકનોલોજી વધુ પ્રમાણમાં વિકસાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે અને જાહેર જનતાને ડિજિટલ તથા અલગ અલગ માધ્યમોથી માહિતગાર અને સતર્ક રહેવાની જાણકારી આપવામાં આવી રહી છે. એક રિસર્ચ મુજબ 100 માંથી 60 ટકા જેટલાં કેસ એક માત્ર સાયબર ક્રાઇમનાં હોવાનું સામે આવી રહ્યું છે.