જો તમે રંગીલા શહેર રાજકોટમાં છો તો આ સ્થળોની અચૂક મુલાકાત લો
રાજકોટઃ હેલ્લો મિત્રો, જો તમે ઉનાળામાં ફરવા જવાનો કોઈ વિચાર કરી રહ્યા છો તો રાજકોટથી એક-બે કલાકના અંતરે આવેલા ફરવાલાયક સ્થળોની જાણકારી મેળવી લો. આ એવા સ્થળો છે જ્યાં તમે પરિવાર,મિત્રો સાથે રજાની મઝા માણી શકો છો. તો ચાલો આજે અમે તમને શબ્દો થકી કરાવીએ રંગીલા શહેર રાજકોટની સફર…
હિંગોળગઢ
હિંગોળગઢની સ્થાપના 1801ની સાલમાં જસદણના રાજવી વાજસૂર ખાચરે કરી હતી. હિંગળાજ માતાના નામ પરથી આ ગઢનું નામ હિંગોળગઢ પડ્યું હતું. આ સ્થળ રાજકોટથી માત્ર 78 કી.મી દૂર જસદણ તાલુકામાં હિંગોળગઢ ખાતે આવેલુ છે. અહીંયા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર, ઐતિહાસિક વારસો, ઊંચાડુંગરા પર બનેલો ગઢ આજે પણ સુંદર લાગે છે. હિંગોળગઢમાં મોટું જંગલ પથરાયેલું છે. જે પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં 230 થી વધારે જાતિના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે, ખાસ કરીને 19 પ્રજાતિનાં સાપ પણ અહીં જોવા મળે છે. રોઝ, નીલગાય, હરણ વગેરે તૃક્ષભક્ષી પ્રાણીઓ પણ જગ્યા પર વિહાર કરે છે.
વાઈલ્ડલાઇફ રાજપરા અભયારણ્ય વિશે જાણો
રાજકોટથી 50 કિમીના અંતરે આવેલું રાજપરા વાઈલ્ડલાઈફ અભયારણ્ય રમણીય સ્થળ છે. અહીંયા તમને ગીરના જંગલમાં ફરતા હોય તેવો આંનદ થશે. આ અભ્યારણમાં ગીરના સાવજો પણ નજકથી જોવા મળે. સિંહની સાથે-સાથે દીપડા, હરણ, ચિતલ જેવા અનેક જંગલી પ્રાણીઓ વિહરતા જોવા મળે છે. તો 130 જાતના પક્ષી પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં હાલના સમયે 11 સિંહ રહે છે. રામપરા મોરબીના વાંકાનેર શહેરથી એકદમ નજીક છે. આ જંગલમાં જવા માટે વાંકાનેરના RFOની મંજૂરી લેવી પડે છે. અહીં ચોમાસામાં હરિયાળી સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. તેથી ફોટોગ્રાફી કરવાની મજા માણી શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સૌથી સુંદર સ્થળ છે. અભયારણ્ય સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
હનુમાનધારા
હનુમાનધારાએ રાજકોટ શહેરની ખુબ નજીક આવેલુ સ્થળ છે. રાજકોટથી 9 કિમીના અંતરે આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનમાનજીનું મંદિર આવેલું છે. શનિવારના દિવસે ભકતોનું ઘોડાપુર અહીં જોવા મળે છે.સહેલાણીઓ અહીં વનડે પિકનીકની મઝા માણી શકે છે.આ જગ્યાની બાજુમાં ચોકીધાણી પાછળ સાંઈબાબાનુ મંદિર પણ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
કાબા ગાંધીનો ડેલો
ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા. ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા એ કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલાની મુલાકાત લોકો લે છે ત્યારે બોલી ઊઠે છે કે બાપુ હજુ જીવે છે.