એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને લીધી રાજકોટના હીરાસર એરપોર્ટની મુલાકાત, 2700 મી. રન-વે ટેકઓફ માટે તૈયાર


એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમારે આજ રોજ રાજકોટના હીરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પૂરજોશમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડીંગ એ.ટી.સી. ટાવર, ફાયર સ્ટેશન, રન–વે સહિત વિવિધ સ્થળની સાઇટ વિઝીટ કરીને ચાલી રહેલી કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ પણ કરી હતી. ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 2700 મીટરનો રન–વે ટેકઓફ માટે તૈયાર થઈ ચૂક્યો છે અને હાલ બોક્સ ક્લવર્ટની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
સંજીવકુમાર અને દિલ્હીથી આવેલા પ્લાનિંગ મેનેજર અનિલકુમાર પાઠકે તમામ એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમને કામગીરીને લઈને પડતી મુશ્કેલીઓ જાણી હતી. તેમજ તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહીવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા.