દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2827 કેસ નોંધાયા છે. જો કે, બુધવારે આવેલા કોરોનાના કેસની સરખામણીએ આજે 70 કેસ ઓછા છે. પરંતુ, દેશમાં કોરોનાનું જોખમ ઘટી ગયું છે એમ કહેવું નથી. દેશની રાજધાની દિલ્લીની વાત કરીએ તો, અહીં કોરોનાના કેસનો પોઝિટિવિટી રેટ 3.34 ટકા છે. પરંતુ, શું આ ચોથી લહેરના ભણકારા છે ? આ સવાલ અનેક લોકોના મનમાં છે અને તેનો સટીક જવાબ મેળવવો થોડો મુશ્કેલ છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા જ ભારતીય રેલવે વિભાગ વધુ સતર્ક બની ગયો છે. રેલવેની મુસાફરીમાં ફરીથી કોરોનાના પ્રોટોકોલના પાલનની શરૂઆત કરવામાં આવી છે. રેલ મંત્રાલયના સૂત્રો અનુસાર, રેલવેના મુસાફરો માટે સંશોધિત SOP તૈયાર કરવામાં આવી છે. તે અનુસાર હવે રેલવેની મુસાફરી સમયે લોકોએ માસ્ક પહેરવું પડશે. સાથે જ ગૃહ મંત્રાલય અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકોલ અને નિર્દેશોનું પાલન કરવું પડશે.
રેલવે મુસાફરો માટે SOP
રેલવે વિભાગે મુસાફરો માટે SOP જાહેર કરી છે. રેલવે વિભાગ દ્વારા 5મેના દિવસે એક SOP જાહેર કરી હતી. જેમાં ગૃહ મંત્રાલયના નિર્દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે નિર્દેશોનું મુસાફરોએ મુસાફરી દરમિયાન પાલન કરવાનું રહેશે.
રેલવે મુસાફરોને આ નિયમોનું કરવું પડશે પાલન
1) રેલવે મુસાફરોને પહેલાની જેમ મુસાફરી દરમિયાન અને એન્ટ્રી-એક્ઝિટ સમયે ફેસ માસ્ક લગાવવું પડશે
2) રેલવે મુસાફરી કરી રહેલા લોકોને ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રાજ્ય સરકારો દ્વારા સમયાંતરે જાહેર કરેલા પ્રોટોકોલ/નિર્દેશોનું પાલન કરવું પડશે
સંક્રમણ ઘટતા માસ્ક હતા મરજિયાત
કોરોનાની પહેલી લહેર સમયે ટ્રેનમાં મુસાફરી સમયે માસ્ક અનિવાર્ય હતું. પરંતુ, જ્યારે દેશમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો, તો રેલેવ મુસાફરી દરમિયાન માસ્ક મરજિયાત કરી દેવાયું હતું. એ પછીથી ટ્રેનોમાં મુસાફરો માસ્ક વગર જ મુસાફરી કરી રહ્યા છે. પરંતુ, હવે દેશમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે, ત્યારે રેલવેમાં મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.
દેશમાં કુલ રિકવરી રેટ 98.04 ટકા
દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમિત 24 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 19,067 છે. એક જ દિવસમાં 3,230 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ રિકવરી રેટ 98.74 ટકા પર પહોંચ્યો છે.