દેશમાં ચોમાસા પહેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. હજૂ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ ત્યાં દેશના ત્રણ રાજ્યમાં પૂરથી હાહાકાર મચી ગયો છે. તેમાં પણ કર્ણાટકમાં તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આસામ રાજ્યમાં ભારે વરસાદને પગલે ભારે પૂરની ખબર છે. પૂર સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. કછાર, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધી પૂરને કારણે 8 લાખ લોકો બેઘર થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. 500 પરિવારો રેલવે ટ્રેક પર જીવન વીતાવવા મજબૂર બન્યા છે. જ્યારે બિહારની વાત કરીએ તો બિહારમાં વીજળી પડતા અત્યાર સુધીમાં 33 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે કર્ણાટકમાં ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના ચાર જિલ્લા – નાગાંવ, હોજાઈ, કછાર અને દરરંગની સ્થિતિ ગંભીર છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે અહેવાલ આપ્યો છે કે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પ્રભાવિત થયા છે.