ગુજરાત: પોલીસ ભરતી પ્રક્રિયામાં બોગસ કોલ લેટર બનાવવો ઉમેદવારને ભારે પડ્યો

- એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
- બનાવટી કોલલેટર બનાવી તેની પ્રીન્ટ કાઢી હોવાની ચોંકાવનારી કબુલાત
- ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું
મહેસાણા શહેરમાં આવેલ પોલીસ હેડ કવાર્ટરના મેદાનમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરીક કસોટી પરીક્ષામાં પોલીસ ભરતી બોર્ડનો ખોટો કોલ લેટર તૈયાર કરીને પહોંચેલા કલોલનો એક ભેજાબાજ ચકાસણી દરમિયાન પકડાઈ ગયો હતો.
એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
પોતાના મિત્રના અસલી કોલ લેટરનો દુરૂપયોગ કરી પીડીએફ એડીટર એપ્લીકેશનના માધ્યમથી તેણે પોતાનું નામ લખી દઈ રાજય પોલીસ ભરતી બોર્ડનો નકલી કોલલેટર તૈયાર કરી તેના આધારે પોલીસ ભરતીની શારીરીક કસોટીમાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું
મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની શારીરીક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. નિત્ય કાર્યક્રમ અનુસાર સવારે પોલીસ ભરતીની કામગીરીમાં રોકાયેલા પોલીસ સ્ટાફ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતા. તે વખતે ઉમેદવારોની બેચ નંબર પાંચનો એક ઉમેદવારને ચેસ્ટ નંબર ૦૯૩૩ પહેરાવીને રજિસ્ટ્રેશન માટે મોકલવામાં આવ્યો હતો. જયાં આ ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેના કોલલેટરમાં જોતા તેમાં ઉમેદવારનું નામ દીપકુમાર દિનેશભાઈ પરમાર તેમજ કન્ફોર્મેશન નંબર ૬૨૮૯૦૮૩૨ તથા બેઠક ક્રમાક નંબર ૧૦૩૬૨૦૨૦ હોવાનું તેમજ શારીરીક કસોટી માટે તેને ૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગે હાજર રહેવાનો ઉલ્લેખ કરાયો હતો.
શારીરીક પરીક્ષા આપતાં નાપાસ થયો હોવાનું ખુલાસો થયો
ત્યારબાદ, આ અંગે ટાઈમીંગ ટેકનોલોજીના મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડના ઈન્ચાર્જ પાસે કોલલેટરની ચકાસણી કરવામાં આવતાં તેની ઉપર ચેસ્ટ નંબર ૦૫૫૭થી રજિસ્ટ્રેશન થયું હતું. તે ઉમેદવારનું નામ ચિરાગકુમાર ધુળાજી ઠાકોર હોવાનું તેમજ તેણે શારીરીક પરીક્ષા આપતાં નાપાસ થયો હોવાનું ખુલાસો થયો હતો. જેની ખરાઈ પોલીસ ભરતી બોર્ડમાં કરાવવામાં આવતાં આ હકિકતને સમર્થન મળ્યું હતું.
બનાવટી કોલલેટર બનાવી તેની પ્રીન્ટ કાઢી હોવાની ચોંકાવનારી કબુલાત
પરિણામે, દીપ પરમારે રજૂ કરેલા કોલ લેટર ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતાં ફરજ પરના પોલીસ અધિકારીએ ચિરાગ ઠાકોર અને દીપ પરમારની પુછપરછ કરી હતી. જેમાં બન્ને મિત્રો હોવાથી ચિરાગે પોતાનો અસલી કોલલેટરની પીડીએફ ફાઈલ તા.૯-૧-૨૦૨૫ના રોજ દીપે માંગતા વોટસએપ મારફત મોકલી હતી. તે પછી ભેજાબાજ દીપે તેના મોબાઈલમાં ગુગલ ક્રોમમાં જઈને પીડીએફ એડીટરના માધ્યમથી આ કોલલેટર ઉપર તેનું નામ લખી બનાવટી કોલલેટર બનાવી તેની પ્રીન્ટ કાઢી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર