ભારત ડોલર વિરુદ્ધ નથી, ન તો BRICS ચલણ લાવવાનો પ્રસ્તાવ છે: ટ્રમ્પની ચિંતા પર EAM જયશંકરનું નિવેદન
નવી દિલ્હી, 08 ડિસેમ્બર: વિદેશ મંત્રી ડૉ. જયશંકરે અમેરિકાના આગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પની અપીલ હતી કે, તમામ BRICS દેશોએ તેમને ખાતરી કરવી જોઈએ કે તેઓ ડૉલર સામે કોઈ નવી કરન્સી નહીં લાવે અને આવા કોઈ ચલણને સમર્થન નહીં આપે. જો તેમ થશે તો 100 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી. વિદેશ મંત્રીએ હવે સ્પષ્ટતા કરી છે કે, ભારતનો ડોલરને નબળો પાડવાનો કોઈ ઈરાદો નથી. મને સ્પષ્ટપણે ખબર નથી કે ટ્રિગર શા માટે થયું, પરંતુ મેં હંમેશા કહ્યું છે કે ભારત ક્યારેય ડી-ડોલરાઇઝેશનમાં સામેલ નથી થયું. અત્યારે BRICS પાસે ચલણ બનાવવાની આવી કોઈ દરખાસ્ત નથી.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, બ્રિક્સમાં સમાવિષ્ટ દેશોની આ મુદ્દે એક સરખી સ્થિતિ નથી. તેમનો મતલબ એ છે કે, દેશોના પોતાના મંતવ્યો હોઈ શકે છે.
100 ટકા ટેરિફ લાદવાની ધમકી
થોડા દિવસો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશ્યલ હેન્ડલ પર એક પોસ્ટમાં એવા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી જે ડોલર સામે જશે. તેમણે એ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે, બ્રિક્સ દેશોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી ડૉલર નબળો પડે અને અન્ય કોઈ ચલણ ડૉલરની જગ્યા લે.
ટ્રમ્પે તેમની પોસ્ટમાં કહ્યું કે, “અમને ખાતરીની જરૂર છે… કે તેઓ ક્યારેય નવી BRICS ચલણ બનાવશે નહીં, અને તે ચલણને ક્યારેય સમર્થન આપશે નહીં જે શક્તિશાળી ડોલરનું સ્થાન લે, અથવા તેને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.”
તો અમેરિકાને કહેવું પડશે અલવિદા
ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2025માં બીજી વખત US પ્રમુખપદનો કાર્યભાર સંભાળશે અને આ પહેલા તેમણે ડોલરને નબળો પાડવાનો ઇરાદો ધરાવતા દેશોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે, “જે દેશો આવું કરે છે તેઓ અપેક્ષા રાખી શકે છે કે તેઓ અમેરિકાના મહાન અર્થતંત્રમાં વેચાણને અલવિદા કહેવું પડી શકે છે.” ટ્રમ્પે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરને નબળો પાડવો કોઈ પણ ચલણ માટે શક્ય નથી અને જે લોકો આવું કરવા માંગે છે તેમણે અમેરિકાને અલવિદા કહેવું પડશે.