બ્રાઇટનને પોતાના હોમગ્રાઉન્ડમાં 0-3થી હરાવી માન્ચેસ્ટર સિટી ટોપ પર પહોંચી, લિવરપૂલ કરતાં એક પોઇન્ટ આગળ
પ્રીમિયર લીગના બીજા હાફમાં ત્રણ નિર્ણાયક ગોલ કરી માન્ચેસ્ટર સિટીએ બ્રાઇટનને તેના હોમગ્રાઉન્ડ પર 3-0થી હરાવી દીધું છે. આની સાથે માન્ચેસ્ટર સિટી અત્યારે ટોપ પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા, લિવરપૂલે માન્ચેસ્ટરને 4-0થી હરાવ્યું હતું, જેના કારણે ટીમ બીજા નંબર પર પટકાઈ ગઈ હતી.
મેચ પહેલા માન્ચેસ્ટર સિટીમાં થયા 6 ફેરફાર
લિવરપૂલ સામેની હાર બાદ સિટીના મેનેજર પેપ ગાર્ડિઓલાએ ટીમમાં 6 ફેરફારો કર્યા હતા. તેણે કેવિન ડી બ્રુયન અને એન્ડરસનને ટીમમાં ફરીથી તક આપીને બાજી પલટી નાખી હતી. આ ફેરફારનો ટીમને ઘણો ફાયદો થયો જ્યારે રિયાદ માહરેઝે 53મી મિનિટે ડી બ્રુયને આપેલા શાનદાર પાસને કારણે ટીમ માટે પહેલો ગોલ કર્યો.
પહેલા હાફમાં બંને ટીમ ગેમમાં રહી
મેચના પહેલા હાફમાં સિટીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. પરંતુ આ દરમિયાન ટીમના દરેક ગેમ પ્લાન ફ્લોપ જતા નજરે પડ્યા હતા. બોલ પઝેશનથી લઈ બધુ સિટી પાસે વધુ હતું, પરંતુ આ તકોને પ્લેયર્સ ગોલમાં બદલી શક્યા નહોતા.
સતત ગોલ કરી બાજી મારી
તેવામાં મેચની 65મી મિનિટે ફિલ ફોડેને મહેરેઝના કોર્નર પરથી ગોલ કરીને ટીમને બીજી લીડ અપાવી દીધી હતી. બસ ત્યારપછી તો ટીમે કોઈપણ બાંધછોડ વિના પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. આ દરમિયાન ડી બ્રુયેને 82મી મિનિટે ટીમને લીડ અપાવવાની બીજી તક ઊભી કરી જ્યારે બર્નાડો સિલ્વાએ બોલને કવર કરીને તેના શોટ પર ટીમનો ત્રીજો ગોલ ફટકાર્યો હતો.