અમદાવાદ શહેરની હવા વધુ ઝેરીલી બની ગઈ છે..જેનું કારણ છે દિવસે-દિવસે વધી રહેલું પ્રદૂષણ. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર પ્રદૂષણના પ્રમાણમાં બધા જ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 નોંધાયો છે. જે અત્યંત ખરાબ છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં દિલ્લી, મુંબઈ અને પૂણે જેવા શહેરો કરતા પણ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે નોંધાયું છે. દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ટ 231, મુંબઈમાં 304 જ્યારે પૂણેમાં 208 નોંધાયો હતો.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઈન્ડેક્સની વાત કરીએ તો, પીરાણામાં AQI 303, નવરંગપુરામાં 316, રાયખડમાં 327, બોપલમાં 306, સેટેલાઈટમાં 262, એરપોર્ટ વિસ્તારમાં 304 અને લેકવાડમાં 377 નોંધાયો હતો.
AQI પ્રમાણે પ્રદૂષણની સ્થિતિ
હવે પ્રદૂષણના પ્રકાર પર નજર કરીએ તો, 0થી 100 સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો તે સામાન્ય કહેવાય. 101થી 200 સુધીનો AQI હોય તો તે મધ્યમ કહેવાય. 201થી 300 સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો તે ખરાબ કેટેગરીમાં ગણાય. 301થી 400 સુધીનો AQI હોય તો ખૂબ ખરાબ ગણાય. જ્યારે 401થી 500 સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.
મહત્વનું છે કે, કોરોનાકાળમાં લૉક ડાઉનના કારણે અમદાવાદમાં વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ હતી. પરિણામે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ એકદમ ઘટી ગયું હતું. પરંતુ, ત્યારબાદ, કોરોના ઘટતા શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પહેલાની જેમ વધી ગયું છે. જેનું કારણ અમદાવાદમાં આવેલા કેમેકિલ ઉદ્યોગો પણ છે. જેના કારણે સતત અને બેફામ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કેમિકલ ઉદ્યોગોના કારણે માત્ર હવામાં જ નહીં પરંતુ, ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રદૂષણ પણ એટલું જ વધી રહ્યું છે.