દિલ્હી-NCRમાં વરસાદ અને કરા પડતા લોકોને ગરમીથી રાહત, આજે પણ આ રાજ્યોમાં વરસાદની શક્યતા


દિલ્હી-NCRમાં બુધવારે સાંજે જોરદાર પવન સાથે હળવો વરસાદ અને કરા પડતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ગુરુવારે પણ હવામાન કંઇક આવું જ રહેવાની શક્યતા છે. ગુરુવારે પણ આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ વરસાદ સાથે વીજળી પણ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવારથી તાપમાન ફરીથી વધવાનું શરૂ થઇ જશે, પરંતુ સોમવાર સુધી ગરમીના પ્રકોપથી રાહત મળશે. ત્યાર બાદ મંગળવારથી ફરી ગરમીનો પ્રકોપ શરૂ થઇ જશે.
ગુરુવારે દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે?
બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ગણું વધારે 28.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1ગણું વધારે 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 37થી 64 ટકા હતું.
ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.
નોઈડામાં મહત્તમ તાપમાન 43.4 અને લઘુત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વાતાવરણ સ્વચ્છ રહી શકે છે. ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. અહીં પણ હવામાન સ્વચ્છ રહેવાનું અનુમાન છે.
આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
દેશમાં દક્ષિણ આંદામાન અને બંગાળની ખાડીના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, “અમે 6 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ નીચા દબાણનો વિસ્તાર બનવાની અપેક્ષા રાખીએ છીએ. ત્યારબાદ લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 48 કલાક બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.’