રાજકોટનો હચમચાવનારો કિસ્સો, 2 માસની બાળકીને આંચકી ઉપડી તો ભૂવાએ 3 ડામ આપ્યા


ટેકનોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધા યથાવત્ હોવાનો વધુ એક કિસો બહાર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગુણોના ગુંદાળા ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે બે માસની દીકરીને ડામ અપાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બે માસની દીકરીને પેટના ભાગે ત્રણ જેટલા ડામ અપાવવામાં આવતા દીકરી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી બહાર આવ્યું છે.
સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.