સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ કામ પર પાછો ફર્યો, ગરદન પર દેખાયા ઈજાના નિશાન

- સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ પહેલી વાર જાહેરમાં જોવા મળ્યો હતો. સોમવારે અભિનેતાએ મુંબઈમાં નેટફ્લિક્સના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી
4 ફેબ્રુઆરી, મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાનની તબિયત હવે પહેલા કરતા સારી છે અને તે ફરીથી કામ પર પાછો ફર્યો છે. ૧૬ જાન્યુઆરીના રોજ બનેલી છરીના હુમલાની ઘટનામાંથી સ્વસ્થ થયા બાદ સૈફ અલી ખાન પહેલી વાર જાહેરમાં જોવા મળ્યો હતો. સોમવારે અભિનેતાએ મુંબઈમાં નેટફ્લિક્સના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેના શરીર પર ઊંડા ઘા પણ જોવા મળ્યા હતા. અભિનેતાના ગળા પરના ઈજાના નિશાન હજુ પણ દેખાય છે. જોકે, ગરદન પર ઈજાના ભાગે બેન્ડેડ લગાવેલી હતી. આ જોયા પછી દરેક ચાહકે ફક્ત એટલું જ ઈચ્છ્યું કે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય.
સૈફના ગળા પર ઊંડા ઘા
સૈફ તેની આગામી નેટફ્લિક્સ ફિલ્મ જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગિન્સ’ ના પ્રમોશન માટેની ઇવેન્ટમાં પહોંચ્યો હતો. અહીં તે ઓલ બ્લૂ ડેનિમ લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, અભિનેતાએ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, હું અહીં તમારી સામે ઉભો છું… અહીં આવીને ખૂબ સારું લાગે છે. અભિનેતાના કાન નીચે ગરદન પર ઊંડા ઘાના નિશાન સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને પબ્લિસિટી સ્ટંટ કહેનારા લોકોને આ એક લપડાક છે. યુઝર્સનું કહેવું છે કે જો છરાબાજીની ઘટનામાં થોડી પણ ભૂલ થઈ હોત તો સૈફનો જીવ જોખમમાં હોત.
View this post on Instagram
સૈફની તબિયત હવે ઠીક
16 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિ બાંદ્રાના સતગુરુ એપાર્ટમેન્ટમાં ચોરીના પ્રયાસ સાથે ઘૂસી ગયો હતો અને અભિનેતા સૈફ અલી ખાનના ઘરે તેના પુત્રના રૂમમાં પહોંચ્યો હતો. બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે, હુમલાખોરે સૈફ પર છરી વડે અનેક વાર હુમલો કર્યો, જેના કારણે અભિનેતાને ગંભીર ઈજાઓ પહોંચી. મોડી રાત્રે અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની બે સર્જરી કરવામાં આવી હતી. અભિનેતાના કરોડરજ્જુમાંથી છરીનો ટુકડો કાઢવામાં આવ્યો હતો. જોકે, હવે અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના કામ પર પાછો ફર્યો છે.
સૈફ અલી ખાનની આગામી ફિલ્મ
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો સૈફ અલી ખાન આગામી નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ જ્વેલ થીફ’માં જોવા મળશે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પઠાણ, ફાઇટર, વોર અને બેંગ-બેંગ જેવી ફિલ્મો બનાવી છે, જે તેમનું ઓટીટી ડેબ્યૂ પણ છે. આ ફિલ્મની રિલીઝની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ જાણીતા બોલિવૂડ સ્ટાર કપલની પુત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે તેની માંગ