સુરત મહાનગરપાલિકાએ જર્જરીત મિલકતોને લઈ આકરું વલણ અપનાવ્યું છે. આવી તમામ મિલકતો ઉતારી લેવા માટે પાલિકાએ નોટીસ ફટકારી છે. શહેરમાં તમામ ઝોનમાં 680 મિલકતો જોખમી અને રિપેરિંગ જરૂરી હોય તેવી છે. મહાનગરપાલિકાના શહેરી વિકાસ ખાતાએ અગાઉ કરેલા સર્વેમાં રિપેરિંગ જરૂરી હોય તેવી 304 મિલકતો અને જોખમી કુલ 373 મિલકતો હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ મિલકતોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં, સૌથી વધુ ઉધના ઝોનમાં 170 મિલકતો અને સેન્ટ્રલ ઝોનમાં 85 છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા બાદ કમિશનરના આદેશ બાદ બિસ્માર મિલકતો અંગે સર્વે થયો હતો. નોટીસ બાદ પણ મિલકતોનું સમારકામ ન કરવામાં આવતા તેમજ તેનો જોખમી ભાગ ન ઉતારી લેવાતા આવી મિલકતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતના ઉધના ઝોનમાં સૌથી વધુ 170 જર્જરીત મિલકત છે. સેન્ટ્રલમાં 85 જોખમી મિલકત છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોનમાં 204 મિલકતનું સમારકામ કરી દેવાયું છે. તેમજ 85 મિલકતના સમારકામ બાકી છે. વરાછા-એ વિસ્તારમાં તમામ 32 જર્જરીત મિલકતોના સમારકામ કરી દેવાયા છે. વરાછા-બી વિસ્તારમાં એક જ મિલકત જર્જરીત હાલતમાં હતી. જેનું સમારકામ કરી દેવાયું છે. તો શહેરના લિંબાયત વિસ્તારમાં 28 જર્જરીત મિલકતોનું સમારકામ બાકી છે. જ્યારે, 20 મિલકતનું સમારકામ થઈ ચૂક્યું છે. ઉધના વિસ્તારમાં 7 મિલકતો બિસ્માર હાલતમાં છે. ઉધનામાં આવેલી 17 મિલકતોનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી બિસ્માર, ક્ષતિગ્રસ્ત મિલકતોના જોખમી ભાગને દૂર કરવા, જોખમી મિલકતો ઉતારવા સૂચના આપી છે. ત્યારે, આગામી સમયમાં મહાનગરપાલિકાની સૂચનાનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી મિલકતો સીલ કરવાની તેમજ બેદરકારી બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવાની મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે.