સુરતઃ રાત્રે 10 વાગ્યથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, શાંતિ-સલામતી જળવાયે તે માટે આદેશ
સુરત શહેરમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા યથાવત રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. સુરત પોલીસ દ્વારા જાહેર હુકમ મુજબ હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.
આ ઉપરાંત નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અંતર્ગત ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ હોસ્પિટલ, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલત કે ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત સુરત પોલીસે એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગીતો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ નહીં કરવાના આદેશ અપાયા છે.