અમદાવાદઃ જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી એવી આશંકા છે કે તેની સેવા પહેલાની જેમ મફતમાં ઉપલબ્ધ નહીં થાય. આ ડરનો જવાબ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એટલે કે એલન મસ્કે જ આપ્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘આ પ્લેટફોર્મના કોમર્શિયલ અને સરકારી યુઝર્સે તેના ઉપયોગ માટે પૈસા ખર્ચવા પડશે.’ તેણે સામાન્ય યુઝરને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે.
Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users
— Elon Musk (@elonmusk) May 3, 2022
એલોન મસ્કએ ટ્વિટ કર્યું, ‘ટ્વિટર હંમેશા સામાન્ય વપરાશકર્તાઓ માટે મફત રહેશે, પરંતુ વ્યાવસાયિક અને સરકારી વપરાશકર્તાઓ માટે થોડો ખર્ચ થઈ શકે છે.’
લોકો એલન પાસે નોકરી માગે છે
હવે ટ્વિટરને સંપૂર્ણ રીતે હજુ એલન મસ્કે હાથમાં પણ નથી લીધું ને લોકો હવે તેની પાસે નોકરી માગી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું સોશિયલ મીડિયા પેજ નોકરી માટેની વિનંતીઓથી છલકાઈ ગયું છે. જો કે, મોટાભાગના લોકોએ મજાકમાં તેમની પાસેથી નોકરીની વિનંતીઓ કરી છે.
લોકોએ જોબ માટે એલનના પેજ પર પોસ્ટ મૂકી
એક મહિલાએ લખ્યું, ‘મને ઉપાધ્યક્ષ તરીકે રાખો. મારી પાસે 11 વર્ષનો અનુભવ છે. મારી પાસે સોશિયલ એપ્સ બનાવવાની ક્ષમતા છે.’ તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘મને ટ્વિટરનો મુખ્ય પ્રેમ અધિકારી બનાવો. મને માસિક પગાર માત્ર $69 (લગભગ સાડા પાંચ હજાર રૂપિયા) જ જોઈએ છે, પરંતુ આ રકમ ક્રિપ્ટો કરન્સીમાં હોવી જોઈએ. દુનિયામાં પ્રેમનું પ્રમાણ વધારવા માટે હું જે કંઈ કરી શકું છું તે કરીશ.’ આ દરમિયાન એવું માનવામાં આવી રહ્યું છે કે, મસ્ક નોકરીઓ ઘટાડશે. મસ્કની ટીમ કેવી રીતે બનશે અને તે કેવી રીતે કામ કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.