ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતસંવાદનો હેલ્લારો

એવું તો શું થયુ કે જાન ફરી પાછી? પોલીસે કરાવ્યું સમાધાન

Text To Speech

સુરત, 4 ફેબ્રુઆરી: 2025: સંબંધ તૂટવાના વિવિધ કારણો તમે સાંભળ્યા હશે. જેમાં કેટલાક સામાન્ય કારણોના લીધી સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે અને પછી તે ક્યારેય સંધાતી નથી. પણ આ કારણો સાંભળીને તમને પણ મોટું આશ્ચર્ય થશે. સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા હતા. જોકે, વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. પોલીસની દરમિયાનગીરીથી સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો. બંને પક્ષના લોકો લગ્ન માટે સહમત થયા હતા.

આ વિચિત્ર ઘટના વરાછાના લક્ષ્મીનગર વાડી વિસ્તારમાં ઘટી હતી. અહીં ભોજન ઘટતા જાનૈયાઓ રોષે ભરાયા અને ગુસ્સે ભરાયેલા વરરાજા તેમજ જાનૈયાઓ લગ્ન વિધિ વિના જ માંડવેથી પરત ફર્યા. જોકે આ ઘટનાથી આહત થયેલા કન્યાના પિતાએ વરાછા પોલીસનો સંપર્ક સાધ્યો. આથી પોલીસે વર-કન્યા બંને પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા. બાદમાં પોલીસની દરમિયાનગીરી રંગ લાવી. અને બંને પક્ષના લોકો લગ્ન માટે સહમત થયા. અંતે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની સામે જ વર-કન્યાએ વરમાળા પહેરી. ત્યાર બાદ વાજતે-ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્નસ્થળ પર પહોંચ્યા. આમ પોલીસે સુલેહ કરાવતા સમસ્યાનું સુખદ સમાધાન થયું.

બાદમાં કન્યાએ કહ્યું કે, ‘જો અમે ફરીથી ત્યાં જઈશું તો ફરી વિવાદ થવાની સંભાવના છે.’ તો એ કારણથી પોલીસ મથકમાં જ વરમાળાનું આયોજન કરવા પરવાનગી આપી હતી. કન્યાપક્ષની વિનંતીને ધ્યાનમાં રાખીને ફરી વિવાદ ન સર્જાય તે માટે પોલીસ મથકમાં જ સિંદૂર, હારતોરા(વરમાળા) સહિતની લગ્નવિધી કરાઈ હતી. બાદમાં વર-વધુ સહિત બંને પક્ષોને પોલીસ મથકેથી વિદાય આપવામાં આવી હતી. હાલ, સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો વરાછા પોલીસની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો..ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો; ચેકડેમમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે યુવાન ડૂબ્યા

Back to top button